ChatGPT વડે ચિત્રો બનાવવાં
સ્પષ્ટ, વર્ણનાત્મક પ્રોમ્પ્ટ વડે ચિત્રો બનાવો અને સુધારો.
ChatGPT સરળ ભાષામાં લખેલા પ્રોમ્પ્ટ પરથી મૌલિક ચિત્રો બનાવી શકે છે. તમે ઝડપથી ફેરફાર કરી શકો છો—અલગ રૂપો માગી શકો, રચના કે કદ બદલી શકો અથવા નવી દૃશ્યશૈલીઓ અજમાવી શકો—અને મિનિટોમાં જ ઉપયોગ માટે તૈયાર ચિત્રસામગ્રી બનાવી શકો છો.
આનાથી વિવિધ સંકલ્પનાઓ અજમાવવી, વિચારોને ચિત્રો દ્વારા રજૂ કરવા અને હાલની ચિત્રસામગ્રીને અલગ પ્રેક્ષકો, સ્વરૂપો કે માધ્યમો માટે અનુકૂળ બનાવવી સરળ બને છે.
ચિત્ર માટે સારો પ્રોમ્પ્ટ લાંબો હોવો જરૂરી નથી. મોટાભાગે 1–3 સ્પષ્ટ વાક્યો પૂરતાં હોય છે. હેતુ એ છે કે ChatGPT સમજી શકે કે ચિત્ર શેનું છે, તે કેવો ભાવ જગાવે એવું હોવું જોઈએ અને તેનાથી શું હાંસલ કરવાનું છે.
આ માટે પ્રોમ્પ્ટમાં કેટલીક મુખ્ય વિગતો આપો: ચિત્રનો હેતુ, મુખ્ય વિષય, શું થઈ રહ્યું છે, કયા સ્થળે થઈ રહ્યું છે અને ઇચ્છિત દૃશ્યશૈલી. દૃશ્યમાં શું અને કેટલું સમાવવું, પ્રકાશ કે ચોક્કસ મર્યાદાઓ મહત્ત્વનાં હોય, તો તે પણ જણાવો.
ચતુરાઈભરી શબ્દરચના કરતાં સ્પષ્ટતા વધુ અસરકારક છે—ખાસ કરીને ગોઠવણી, સપાટીનો પોણ, સામગ્રી કે પ્રકાશ જેવી વિગતો માટે. ઉદાહરણ તરીકે, “સુંદર પ્રકાશ” જેવા અસ્પષ્ટ વર્ણન કરતાં “ડાબી બાજુની બારીમાંથી આવતો નરમ કુદરતી પ્રકાશ” કહેવાથી સામાન્ય રીતે વધુ ભરોસાપાત્ર પરિણામ મળશે.
કોઈ બાબત યથાવત્ રાખવાની હોય ત્યારે મર્યાદાઓ જણાવવી ખાસ ઉપયોગી થાય છે. જો તમને વધારાનું લખાણ, લોગો કે દેખાવમાં ફેરફાર ન જોઈતાં હોય, તો તે સીધું જ જણાવો. હાલના ચિત્રમાં ફેરફાર કરતી વખતે શું બદલવું અને શું યથાવત્ રાખવું તે સ્પષ્ટપણે જણાવો. પ્રોમ્પ્ટમાં “ફક્ત X બદલો. બાકીનું બધું એકદમ યથાવત્ રાખો” જેવી સૂચના આપવી એ ઘણીવાર ચોક્કસ ફેરફાર કરાવવાની સૌથી સ્પષ્ટ રીત છે.
ચિત્ર સુધારવાની શ્રેષ્ઠ રીત સામાન્ય રીતે નાના, ચોક્કસ ફેરફારો કરવાની છે. પહેલાં મૂળ વિચાર બરાબર રજૂ થાય તેની ખાતરી કરો, પછી એક સમયે એક ઘટકમાં ફેરફાર કરો. સામાન્ય પ્રતિક્રિયાઓ કરતાં સીધાં, ચોક્કસ સૂચનોનું પાલન કરવું સરળ હોય છે. સૌથી મહત્ત્વની વિગતો ફરી જણાવવાથી સુધારા કરતી વખતે ચિત્ર મૂળ વિચારથી દૂર જતું અટકાવી શકાય છે.
ઉપયોગી અને અમલમાં મૂકી શકાય એવા ફેરફારોનાં ઉદાહરણો:
“તેમાં વધુ અજવાળું કરો”, “રંગોની તીવ્રતા ઘટાડો”, “પૃષ્ઠભૂમિ સાદી બનાવો”
“રચના એ જ રાખો, પણ શૈલી વધુ આધુનિક / સૌમ્ય / રમૂજી બનાવો”
તબક્કાવાર ફેરફારો કરવાથી ચિત્રને સુધારતાં સુધારતાં તેમાં સાતત્ય જાળવી શકાય છે. તમે ચોક્કસ ભાગોમાં ફેરફાર પણ કરી શકો છો અને તેમના માટે વિશિષ્ટ સૂચનાઓ આપી શકો છો.
ચિત્ર બનાવવા કે તેમાં ફેરફાર કરવા માટે માર્ગદર્શન તરીકે તમે એકથી વધુ ચિત્રો અપલોડ કરી શકો છો, પરંતુ સામાન્ય રીતે ઘણાં ચિત્રો કરતાં થોડાં ચિત્રો સાથે કામ કરવું વધુ સરળ હોય છે. દરેક ચિત્રનો તેના ક્રમ મુજબ ઉલ્લેખ કરો અને તેઓ એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે તે સમજાવો.
ઉદાહરણ તરીકે: “ચિત્ર 1 મારા મેજની ગોઠવણીનો ફોટો છે. ચિત્ર 2 શૈલીના સંદર્ભ માટે છે. ચિત્ર 1ની ગોઠવણી અને વસ્તુઓ યથાવત્ રાખીને તેના પર ચિત્ર 2ની સ્વચ્છ, સાદી ચિત્રશૈલી લાગુ કરો.”
ઘટકોને એકસાથે જોડતી વખતે, એકબીજાની સરખામણીમાં તેમનાં સ્થાન જણાવવા ડાબે, જમણે, આગળના ભાગમાં અને પૃષ્ઠભૂમિમાં જેવા સ્પષ્ટ સ્થાનસૂચક શબ્દો વાપરો.
લખાણ માટે સૂચનાઓ ખૂબ ચોક્કસ હોય ત્યારે શ્રેષ્ઠ પરિણામ મળે છે:
લખાણ અવતરણચિહ્નોમાં મૂકો અથવા અંગ્રેજી લખાણના બધા અક્ષરો મોટા રાખો
અક્ષરોની શૈલી, કદ, રંગ અને સ્થાન જણાવો
લખાણ ટૂંકું રાખો
બ્રાન્ડનાં નામો કે ઓછા પ્રચલિત શબ્દો માટે દરેક અક્ષર અલગ લખીને જોડણી જણાવો (દા.ત., “S-T-R-I-P-E”)
ઉદાહરણ તરીકે: “ઉપર મધ્યમાં ‘સાપ્તાહિક યોજના’ મથાળું ઘાટા સૅન્સ-સેરિફ અક્ષરોમાં, સફેદ રંગે, 72pt કદમાં ઉમેરો. બીજું કોઈ લખાણ નહીં.”
માહિતીચિત્રો સમજાવટ આપતી સામગ્રી, ભીંતપત્રો, નામનિર્દેશવાળી આકૃતિઓ, સમયરેખાઓ અને “ચિત્રાત્મક જ્ઞાનકોશ” માટેની સામગ્રીમાં ઉપયોગી છે. વધુ વિગત ધરાવતી ગોઠવણી હોય કે ચિત્રમાં ઘણું લખાણ હોય, ત્યારે “સ્પષ્ટ અને સુવાચ્ય લખાણ” પર ભાર આપો. જરૂર પડે તો રચના માટેનાં સાધનોમાં તેને વધુ સુઘડ બનાવવાનું વિચારો.
વ્યક્તિના દેખાવનો ઉપયોગ સાવચેતીથી કરો: વાસ્તવિક લોકોનાં ચિત્રો બનાવતી વખતે (તમારાં પોતાનાં કે અન્યનાં), ચોકસાઈ માટે સંદર્ભ ફોટો વાપરો અને તેમના દેખાવનો ઉપયોગ કરવાની પરવાનગી તમારી પાસે છે તેની ખાતરી કરો.
ચોક્કસ નકલ કરતાં સામાન્ય રચના પસંદ કરો: શંકા હોય ત્યારે કોઈ ચોક્કસ બ્રાન્ડ, ઉત્પાદન કે કલાકૃતિની નકલ કરવાને બદલે રચનાનાં “સામાન્ય” અથવા “જેના પર માલિકી મેળવી શકાય એવાં” રૂપો માગો.
શ્રેય આપવો વૈકલ્પિક છે: બનાવેલાં ચિત્રોનો ઉપયોગ કરતી વખતે OpenAIને શ્રેય આપવો જરૂરી નથી, પરંતુ ચિત્રસામગ્રી કેવી રીતે બનાવવામાં આવી તે સ્પષ્ટ કરવામાં મદદરૂપ થાય તો તમે શ્રેય આપી શકો છો.
નીતિઓનું પાલન: ચિત્રોના દરેક ઉપયોગમાં તમારી સંસ્થાની માર્ગદર્શિકા અને OpenAIની ઉપયોગ નીતિઓનું પાલન થવું જોઈએ.


