OpenAI

10 નવેમ્બર, 2026

કંપની

રોજિંદા જીવનમાં AI વાપરવામાં સંભાળ રાખનારાઓને મદદ

કેરગિવર એક્શન નેટવર્ક, અલ્ઝાઇમર્સ એસોસિએશન અને અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન®ના સહયોગથી, રાષ્ટ્રીય પારિવારિક સંભાળકર્તા માસમાં અમેરિકાનાં પાંચ શહેરોમાં નિઃશુલ્ક, પ્રાયોગિક ChatGPT કાર્યશાળાઓ.

કોઈની સંભાળ રાખતી વખતે ઘણી વાર કામ અને પારિવારિક જીવન વચ્ચે સંતુલન જાળવવાની સાથે સમયપત્રકો ગોઠવવાં, માહિતીનો હિસાબ રાખવો અને મદદ શોધવી પડે છે. રાષ્ટ્રીય પારિવારિક સંભાળકર્તા માસ દરમિયાન અમે સંભાળ રાખનારાઓને AIની એવી આવડતો શીખવામાં મદદ કરી રહ્યા છીએ જે તેમનાં કેટલાંક રોજિંદાં કામો સરળ બનાવી શકે, જેથી તેઓ જેમની સંભાળ રાખે છે તેમના પર વધુ સમય ધ્યાન આપી શકે.

10 નવેમ્બરે OpenAI અકાદમી, કેરગિવર એક્શન નેટવર્ક, અલ્ઝાઇમર્સ એસોસિએશન અને અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન®ના સહયોગથી ‘સંભાળ રાખનારાઓ અને સામુદાયિક આરોગ્ય માટે AI કૌશલ્ય સંમેલન’ યોજી રહી છે. આ નિઃશુલ્ક, રૂબરૂ શિક્ષણ કાર્યક્રમ સંભાળ રાખનારાઓને આત્મવિશ્વાસ સાથે, સુરક્ષિત અને વ્યવહારુ રીતે ChatGPTનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે તૈયાર કરાયો છે. આ દેશવ્યાપી કાર્યક્રમો અમેરિકાનાં પાંચ શહેરોમાં સહભાગીઓને એકત્ર કરશે. તેમાં વ્યક્તિગત રીતે કે પરિવારના સભ્ય તરીકે સંભાળ રાખનારાઓ, તેમને સહાય કરતી સંસ્થાઓ અને લાંબા ગાળાની કે ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકોનો સમાવેશ થશે:

  • ઓકલેન્ડ, કેલિફોર્નિયા

  • ટેમ્પા, ફ્લોરિડા

  • પિટ્સબર્ગ, પેન્સિલ્વેનિયા

  • એટલાન્ટા, જ્યોર્જિયા

  • ડેટ્રોઇટ, મિશિગન

OpenAIના એક વિશ્લેષણનો અંદાજ છે કે અમેરિકામાં આરોગ્યસંભાળ વિશે દર અઠવાડિયે ChatGPT પર આવતા 4 કરોડથી વધુ સંદેશાઓમાં અન્ય કોઈ વ્યક્તિની આરોગ્યસંભાળ અંગે પૂછવામાં આવે છે1. કાર્યશાળાઓમાં સહભાગીઓ જાણશે કે ઉપયોગી સંસાધનો શોધવામાં, સમાન અનુભવ ધરાવતા લોકોની પરસ્પર સહાયમાં અને સંભાળ રાખનારાઓને ટેકો આપવામાં ChatGPT કેવી રીતે મદદ કરી શકે છે. આમાં નીચેની બાબતોનો સમાવેશ થશે:

  • સંભાળ રાખનારાઓનાં સમયપત્રકો અને કાર્યસૂચિઓ ગોઠવવી

  • વિશ્વસનીય શૈક્ષણિક સંસાધનોને સરળ ભાષાની સામગ્રીમાં ફેરવવાં

  • સમુદાયમાં ઉપલબ્ધ સંસાધનો શોધવાં

  • સહાય જૂથોમાં ચર્ચા માટે માર્ગદર્શિકાઓ તૈયાર કરવી

સહભાગીઓ AIનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરતાં પણ શીખશે, જેમાં વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવું અને આ સાધનોની મર્યાદાઓ સમજવી સામેલ છે. તેઓ એ પણ શીખશે કે આરોગ્યસંભાળના નિષ્ણાતોની સલાહ ક્યારે લેવી અને AI સાધનોનો ઉપયોગ તબીબી, કાનૂની કે નાણાકીય સલાહના પૂરક તરીકે કેવી રીતે કરવો, તેના વિકલ્પ તરીકે નહીં. OpenAIના પ્રશિક્ષકો અને માર્ગદર્શકો સમગ્ર કાર્યશાળા દરમિયાન પ્રત્યક્ષ અભ્યાસમાં મદદ કરશે. કોડ લખવાનું કે તકનીકી ક્ષેત્રનું કોઈ પૂર્વજ્ઞાન જરૂરી નથી.

4માંથી 1
“AI એવું સાધન છે જે લોકોને પોતાના અને પોતાના પરિવારના જીવન પર વધુ નિયંત્રણ મેળવવામાં મદદ કરે છે. સંભાળ રાખનારાઓ માટે તેનો અર્થ સમયપત્રકો ગોઠવવામાં અને માહિતી શોધવામાં ઓછો સમય ખર્ચવો અને જેમની સંભાળ રાખે છે તેમના પર વધુ સમય ધ્યાન આપવું એવો થઈ શકે છે. સમુદાયની વિશ્વસનીય સંસ્થાઓ સાથે કામ કરીને અમે સંભાળ રાખનારાઓને આ સાધનોનો સુરક્ષિત અને વ્યવહારુ રીતે ઉપયોગ કરવા માટેની આવડત અને આત્મવિશ્વાસ કેળવવામાં મદદ કરી રહ્યા છીએ.”
— ક્રિસ લેહેન, OpenAIના મુખ્ય ગ્લોબલ અફેર્સ અધિકારી

આ સંમેલન સ્થાનિક સમુદાયોમાં શીખવાની તક લાવે છે. અહીં સંભાળ રાખનારાઓ પોતાના જેવા અન્ય લોકો સાથે અભ્યાસ કરી શકે છે અને રોજિંદા એવા પડકારો વિશે વાત કરી શકે છે, જેમના ઉકેલમાં આ સાધનો મદદરૂપ થશે એવી તેમને આશા છે. અમારા ભાગીદારો ગંભીર બીમારી ધરાવતા લોકો અને તેમના પરિવારોને સહાય કરવાની ઊંડી નિપુણતા અને અનુભવ ધરાવે છે. તેમના અને સંભાળ રાખનારાઓના પોતાના દૃષ્ટિકોણો, દિવસ દરમિયાન શીખેલી બાબતોને દરેક સમુદાયની જરૂરિયાતો સાથે જોડવામાં મદદ કરશે.

AI કૌશલ્ય સંમેલન એ AIને સૌ માટે વ્યવહારુ અને સુલભ બનાવવાના OpenAI અકાદમીના વ્યાપક કાર્યનો એક ભાગ છે. તે બિનનફાકારક સંસ્થાઓ, નાના વ્યવસાયો, બાલમંદિરથી ધોરણ 12 સુધીના શિક્ષકો અને વરિષ્ઠ નાગરિકો સાથે અમે અગાઉ યોજેલા કાર્યક્રમોની પરંપરાને આગળ વધારે છે.

અમે કેરગિવર એક્શન નેટવર્ક, અલ્ઝાઇમર્સ એસોસિએશન, અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન® અને દેશભરમાં અમારી સાથે જોડાઈ રહેલા સંભાળ રાખનારાઓ તથા સામુદાયિક આરોગ્ય સંસ્થાઓના આભારી છીએ. તેમના પ્રશ્નો, વિચારો અને અનુભવો ભવિષ્યનાં શૈક્ષણિક સંસાધનોને ઘડવામાં મદદ કરશે અને અન્યોને સહારો આપવાના રોજિંદા કામમાં આ સાધનો ઉપયોગી બને તે સુનિશ્ચિત કરશે.

લેખક

OpenAI

પાદટીપો

  1. 1

    આ માહિતી 9–29 ઑક્ટોબર, 2026 દરમિયાન ChatGPTના ઉપયોગ અંગે ગોપનીયતા જાળવીને તૈયાર કરાયેલા અંદાજ પર આધારિત છે