OpenAIએ જિલ હેઝલબેકરને કંપની બાબતોનાં મુખ્ય અધિકારી તરીકે નિયુક્ત કર્યાં
જિલ હેઝલબેકર કંપની બાબતોનાં મુખ્ય અધિકારી તરીકે OpenAIમાં જોડાશે. તેઓ કંપનીના વૈશ્વિક સંચારનું નેતૃત્વ કરશે અને તેની જાહેર છબીને આકાર આપશે.

AI વિશે લોકોની સમજ વધારવા અને OpenAIના ધ્યેય પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કરવા જિલ સંસ્થાના વિવિધ વિભાગોના આગેવાનો સાથે મળીને કામ કરશે. તેમને ટેકનોલોજી કંપનીઓ અને રાજકીય નેતાઓને સલાહ આપવાનો લગભગ બે દાયકાનો અનુભવ છે. આ દરમિયાન તેમણે અસાધારણ વૃદ્ધિના સમયગાળામાં અને અત્યંત મહત્ત્વપૂર્ણ પડકારોનો સામનો કરવામાં તેમને મદદ કરી છે.
તાજેતરમાં જિલ ઉબરમાં પ્રમુખ અને કંપની બાબતોનાં મુખ્ય અધિકારી હતાં. ત્યાં તેમણે એક મહત્ત્વાકાંક્ષી નવોદિત કંપનીને વિશ્વનાં સૌથી મોટાં વૈશ્વિક ટેકનોલોજી મંચોમાંના એકમાં રૂપાંતરિત કરવામાં નેતૃત્વ આપ્યું હતું.
AIના ભવિષ્યને આકાર આપતાં લોકો અને સંસ્થાઓ સાથે વધુ ગાઢ રીતે જોડાવા માટે જરૂરી નેતૃત્વ અને ક્ષમતાઓ વિકસાવવાની OpenAIની પ્રતિબદ્ધતા જિલની નિમણૂકમાં પ્રતિબિંબિત થાય છે.
જિલ હેઝલબેકર ઉબરમાંથી OpenAIમાં જોડાઈ રહ્યાં છે. ઉબરમાં પ્રમુખ અને કંપની બાબતોનાં મુખ્ય અધિકારી તરીકે તેમણે કંપનીના વૈશ્વિક સંચાર, વિપણન, જાહેર નીતિ, સલામતી અને માનવ સંસાધન વિભાગોની દેખરેખ રાખી હતી. ઉબરમાં એક દાયકા દરમિયાન તેમણે કંપનીની પ્રતિષ્ઠાને આકાર આપવામાં, નિયમન અને પ્રતિષ્ઠા સંબંધિત જટિલ પડકારોનો સામનો કરવામાં તથા વિશ્વભરમાં તેની વૃદ્ધિને ટેકો આપવા જરૂરી ક્ષમતાઓ વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ઉબરમાં જોડાતાં પહેલાં જિલ સ્નેપમાં સંચાર અને જાહેર નીતિનું નેતૃત્વ કરતાં હતાં. તે પહેલાં તેમણે ગૂગલમાં વરિષ્ઠ નેતૃત્વની ભૂમિકાઓ સંભાળી હતી. તેમાં વૈશ્વિક સ્તરે કંપનીના સંચાર, યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં સંચાર તથા યુરોપમાં સરકારો સાથેના સંબંધોની દેખરેખનો સમાવેશ થતો હતો.
જિલે તેમની કારકિર્દીની શરૂઆત અમેરિકાના રાજકારણમાં કરી હતી, જ્યાં તેમણે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ચૂંટણી અભિયાનોમાં નેતૃત્વની ભૂમિકાઓ સંભાળી હતી. તેઓ સેનેટર જૉન મેકકેનના 2008ના રાષ્ટ્રપતિપદના ચૂંટણી અભિયાનનાં રાષ્ટ્રીય સંચાર નિયામક અને મુખ્ય પ્રવક્તા તથા ન્યૂયોર્ક શહેરના મેયર માઇકલ બ્લૂમબર્ગનાં પ્રેસ સચિવ હતાં.


