સુરક્ષાના રક્ષકોને ખામીઓ શોધવા બદલ વધુ મોટાં ઇનામો
OpenAIના સૉફ્ટવેરમાં અમારા પરીક્ષણ દરમિયાન ધ્યાન બહાર રહી ગયેલી સુરક્ષા ખામીઓ શોધવા સ્વતંત્ર સંશોધકોને વધુ પ્રોત્સાહન આપવા માટે, અમે OpenAIના સુરક્ષા ખામી શોધવાના કાર્યક્રમમાં ઇનામો વધારી રહ્યા છીએ. સંશોધકો સુરક્ષા ખામીઓના વધુ સારી ગુણવત્તાવાળા અહેવાલો માટે વધુ કમાઈ શકે તે માટે અમે નવા પ્રોત્સાહનો પણ રજૂ કરી રહ્યા છીએ.
સમગ્ર ઉદ્યોગમાં ટેક્નોલૉજીને સુરક્ષિત રાખવામાં સ્વતંત્ર સુરક્ષા સંશોધકો આવશ્યક ભૂમિકા ભજવે છે. OpenAIમાં, ખામીઓની જવાબદારીપૂર્વક જાણ કરવા પ્રોત્સાહન આપવું એ અમારી સુરક્ષા વ્યવસ્થાનો મુખ્ય ભાગ છે. તે અમારા ડિફેન્સ ફેક્ટરીના કાર્યને પૂરક છે, જ્યાં અમારા ઇજનેરો અમારા મોડલનો ઉપયોગ કરીને નબળાઈઓ શોધે છે, તેમને ફરી સર્જે છે અને તેના ઉકેલોની ચકાસણી કરે છે.
આજના ફેરફારોનો હેતુ સંશોધકોને પ્રોત્સાહિત અને સક્ષમ કરવાનો તેમજ સમુદાયને પ્રાધાન્ય આપતું સહયોગી સુરક્ષા વાતાવરણ વિકસાવવાનું ચાલુ રાખવાનો છે.
મધ્યમ, ઉચ્ચ અને અતિગંભીર સ્તરની ખામીઓ માટેની અમારી ઇનામની રકમની શ્રેણીઓના મધ્યબિંદુમાં અમે સરેરાશ ચાર ગણાથી વધુ વધારો કરી રહ્યા છીએ. ChatGPT, Codex અથવા API પ્લેટફોર્મ જેવી મુખ્ય પ્રોડક્ટમાં અતિગંભીર સુરક્ષા ખામી શોધવા બદલ હવે $30,000 સુધીનું ઇનામ મળશે. આ પ્રોડક્ટમાં અપવાદરૂપ અતિગંભીર ખામીઓ શોધવા બદલ $100,000 સુધીનું ઇનામ મળવાપાત્ર રહેશે, અને હવે બોનસ સાથે આ રકમ $172,000 સુધી પહોંચી શકે છે. સંપૂર્ણ વિગતો અમારા સુરક્ષા ખામી શોધવા બદલ ઇનામ આપતા કાર્યક્રમમાં(નવી વિન્ડોમાં ખૂલે છે) ઉપલબ્ધ છે.
ઉચ્ચ ગુણવત્તાવાળા અહેવાલો માટે મૂળ ઇનામની રકમ પર બોનસ ગુણક લાગુ થઈ શકશે. ખામીને અલગ તારવીને સ્પષ્ટ કરતું, તેનો ક્યારે ગેરલાભ લઈ શકાય તે દર્શાવતું અને તેની અસર સાબિત કરતું વિશ્વસનીય પ્રાયોગિક નિદર્શન અમને ઉકેલ શોધવામાં શરૂઆતથી જ મદદ કરે છે. ગુણવત્તા માટેનો ગુણક એ વધારાના પ્રયત્નોની કદર કરે છે, જે શોધેલી ખામીને ખાસ ઉપયોગી બનાવે છે.
લાંબા ગાળાના સંબંધો બનાવવા અને અમારા સુરક્ષા સમુદાયને સતત સક્ષમ બનાવવા માટે, અમે સતત સહયોગ બદલ સ્તર મુજબ બોનસ આપતો કાર્યક્રમ રજૂ કરી રહ્યા છીએ. આ 5-સ્તરની વ્યવસ્થામાં દરેક સ્તરે બોનસ વધે છે. તે સૌ માટે AI ટેક્નોલૉજીને વધુ સુરક્ષિત બનાવવામાં અમારી સાથે સતત ભાગીદારી કરતા સંશોધકોની કદર કરવા, તેમને ટેકો આપવા અને તેમના યોગદાનને બિરદાવવા માટે છે.
ટેક્નોલૉજીના વિકાસ સાથે સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે, પ્રાધાન્યવાળાં અભિયાનોમાં નવી રજૂ કરાયેલી સુવિધાઓ માટે અલગ બોનસ ભંડોળ રાખવામાં આવશે. આ ટૂંકા ગાળાનાં અભિયાનો સંશોધકોને નવી સુવિધાઓનું શરૂઆતમાં જ પરીક્ષણ કરીને મોટાં ઇનામો મેળવવાની અને તેમના પ્રારંભિક યોગદાન માટે માન્યતા મેળવવાની તક આપે છે.
સુરક્ષા ખામીનું ઉદાહરણ | અગાઉના ઇનામનું ઉદાહરણ | નવી ચુકવણીની ગણતરીનું ઉદાહરણ | નવું ઇનામ |
મધ્યમ - ChatGPT (મુખ્ય સંસાધન): ફક્ત વાંચવાની પરવાનગી ધરાવતો સભ્ય લખવાની પરવાનગી વિના પ્રોજેક્ટમાં ફાઇલો અપલોડ કરી શકે છે. | $750 | $2,000 × 1.15 ગુણવત્તા બોનસ × 1.05 સતત સહયોગ માટે કાંસ્ય સ્તરનું બોનસ | $2,415 |
ઉચ્ચ - Prism (ગૌણ સંસાધન): IDORને કારણે વપરાશકર્તાના પ્રોજેક્ટમાં અપલોડ કરેલી ફાઇલ વાંચી શકાય છે | $1,000 | $2,500 × 1.15 ગુણવત્તા બોનસ × 1.10 સતત સહયોગ માટે સુવર્ણ સ્તરનું બોનસ | $3,162.50 |
અતિગંભીર - ChatGPT (મુખ્ય સંસાધન): વપરાશકર્તા કોઈ ક્લિક ન કરે તો પણ ખાતું કબજે કરી શકાય છે. | $6,500 | $30,000 × 1.15 ગુણવત્તા બોનસ × 1.30 પ્રાધાન્યવાળા અભિયાનનું બોનસ × 1.15 સતત સહયોગ માટે 31337 સ્તરનું બોનસ | $51,577 |
અપવાદરૂપ - ChatGPT (મુખ્ય સંસાધન): સુરક્ષા સીમાનો મોટો ભંગ (દા.ત., કોઈ પણ ChatGPT વપરાશકર્તાના ચેટ સંદેશા જોઈ શકવા.) | $100,000 | $100,000 × 1.15 ગુણવત્તા × 1.30 પ્રાધાન્યવાળું અભિયાન × 1.15 સતત સહયોગનું 31337 સ્તર | $171,925 |
તમામ પરિસ્થિતિઓ અને અગાઉનાં ઇનામો માત્ર ઉદાહરણ તરીકે આપ્યાં છે.
જો તમે અહેવાલ સબમિટ કરી દીધો હોય અને અમે હજી ઇનામ આપ્યું ન હોય, તો અમે ઇનામની રકમની નવી શ્રેણીઓ લાગુ કરીશું. આ જાહેરાતના 30 દિવસ પહેલાંના સમયગાળામાં અમે આપેલાં ઇનામો માટે, જો તમારી શોધને નવી શ્રેણીઓ હેઠળ વધુ રકમ મળવાપાત્ર હોય, તો અમે તફાવતની રકમ ચૂકવીશું (મૂળ ઇનામ + સતત સહયોગનાં ઇનામો).
20–21 નવેમ્બરે અમારી સુરક્ષા ટીમ ઓકલેન્ડમાં PROMPT2PWN(નવી વિન્ડોમાં ખૂલે છે)માં હાજર રહેશે, જ્યાં સંશોધકો રૂબરૂ આવીને નિર્ધારિત સંસાધનોનું પરીક્ષણ કરી શકશે. જો તમે ત્યાં આવવાના હો, તો તમે શું કામ કરી રહ્યા છો અને અમે તમારી સાથે કેવી રીતે ભાગીદારી કરી શકીએ તે વિશે જાણીને અમને આનંદ થશે.
સંભવિત ખામીના સંકેતની તપાસ કરવા અને અમને તેની જાણ કરવા સમય ફાળવનાર દરેકનો આભાર. જ્યારે તમને અમારા ધ્યાન બહાર રહેલી કોઈ ખામી મળે, ત્યારે તમે ફરી સંપર્ક કરવા ઇચ્છો એવી ટીમ OpenAI બને, તે અમારો હેતુ છે.


